ગીર સાથે ગોઠડી – કેતન પી. જોષી

ગીરના સિંહોને તો આપણે બધા જાણીએ છીએ, પણ ગીરની પોતાની એક સંસ્કૃતિ પણ છે, તેના વિશે આપણે કેટલું જાણીએ છીએ? સિંહો સાથે જિંદગી વિતાવતા લોકોની જિંદગી ઓછી જોખમી હોતી નથી એ તો ખરું, પણ એમની જિંદગી અનેક અભાવો છતાં ઘણી સમૃદ્ધ હોય છે. ગીરના જંગલની મધ્યે વસેલા નેસમાં રહેવાનો આનંદ કંઈક ઓર જ હોય છે. ચાલો, એક લટાર મારીએ ગીરના એક સુરમ્ય નેસડામાં અને માણીએ ગીરવાસીઓનું જીવન…

વાદળનો ગડગડાટ વાતાવરણને ધીર-ગંભીર બનાવી રહ્યો હતો. મેથોડું નામનું પક્ષી મેં… થોડોએવું બોલીને વાતાવરણને વધારે ઘેઘૂર બનાવી રહ્યું હતું. પવને રીસામણાં લીધાં હતાં. જીપનાં પૈડાં ખરબચડા માર્ગે સડસડાટ આગળ વધી રહ્યાં હતાં. આ બાજુ મેહ વરસશે કે પેલી બાજુ, તેવા વિચારોની વચ્ચે ઘેઘૂર જંગલમાં વાતાવરણના ગાંભીર્યને તોડતો એક મીઠો ટહુકો સંભળાયો, ‘‘એ આવો મેહમાણ, અમારા નેહમાં એક એક અડારી (રકાબી) પીતા જાવ.’’ એ વિસામાનું નામ હતું ખજૂરીનેસ. તુલસીશ્યામવાળા રસ્તેથી આગળ પ્રવેશતાં મીઢાનેસ પછી જે બીજો નેસ આવે છે તે ખજૂરીનેસ. સાત સાત જોડું ધરાવતો અને ગીરના ટેકરાઓની વચ્ચે ઊભેલો આ નેસ કુદરતે બનાવેલા રહેઠાણ સમો લાગતો હતો. મીઠા આવકાર યાત્રા શરૂ થઈ ગીરના નેસોની. શહેરની લક્ઝુરિયસ જિંદગીથી માઇલો દૂર નેસોમાં રહેતા લોકો માણસભૂખ્યા હોય છે. બહારથી આવેલા માણસોને જોઈને તેમનું હૈયું પુલકિત થઈ ઊઠે છે અને પછી મહેમાનગતિમાં કોઈ મણા રાખતા નથી.

નેસની બરોબર સામે તેમના વડીલસમો ૨૦૦ વર્ષ જૂનો વડલો ઊભા રહેવાને બદલે આ નેસવાસીઓની નિશ્રામાં આરામ ફરમાવી રહ્યો હોય એવો લાગતો હતો. જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?…’ના પ્રભાતિયા સાથે માલ લઈને જંગલમાં જતા પહેલાં ઢોરને દોહવામાં આવે છે. અહીં દિવસ વહેલો ઊગી જાય છે. લગભગ ચાર વાગ્યાથી કૃષ્ણની પૂજા સાથે આ લોકો દિવસની શરૂઆત કરે છે. એક જોડમાં લગભગ ૫૦થી પણ વધુ ગાય-ભેંસો સંભાળતા આ લોકોને તેના માલઢોરની વાતો કરતા હરખ માતો નથી. નવાઈની વાત તો એ છે કે આ પચાસે પચાસ ઢોરનાં નામ હોય છે. અને એ નામથી બોલાવતા જે તે ઢોર આવે છે અને તેને દોહવામાં આવે છે. ભૂરી, ભગડ, બીનર, કંગલ અને રાવલ જેવાં નામો ધરાવતી ભેંસોને ઘરના સભ્યોની જેમ લાડકાઈથી બોલાવવામાં આવે છે. આ ભેંસો પણ ઘરના સભ્યો માટે સિંહ સામે જીવસટોસટના ખેલ ખેલી જાય છે.

સવારે આ માલ લઈને નીકળેલા માલધારી તેની પછેડી કે ભાથામાં રોટલા, શાકભાજી, તેલ, મરચું વગેરે લઈને જંગલમાં નીકળી પડે છે. તેમનો દરેક દિવસ સાહસથી ભરપૂર હોય છે. હિંસક જનાવરોની વચ્ચે રહીને જીવના જોખમે તેઓ તેની દિનચર્યા પૂર્ણ કરે છે. ભાથામાં બાંધેલું શાક અલગ અલગ માલધારીઓ એકઠું કરે છે. તેલ, મરચું નાખીને જાણે કે મિક્સ વેજિટેબલની લિજ્જત માણે છે અને હાલો છાયુ પીવાના સાદ સાથે બધા માલધારી બપોરે જમ્યા બાદ બે કલાક આરામ ફરમાવે છે. હાથે બનાવેલી વાંસળીના સૂર વચ્ચે બપોરની ગરમીનો તાપ વિસરાઈ જાય છે. કાપડા, જીમી, કેડિયું જેવા પહેરણ ને કંદોરા, માદળિયાંના હાર પહેરીને તે તેમના જીવનને ધન્ય ગણે છે.

વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈની સંસ્કૃતિને અનુસરતા આ લોકો મોટે ભાગે દીવા કે ફાનસનો ઉપયોગ કરે છે. સરકાર તરફથી સોલર લાઈટની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દુનિયાની સાથે જોડાઈ રહેવા માટે રેડિયો વાપરે છે. જોકે હવે તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતા થયા છે. જે છે તેનાથી જીવનનો સંતોષ માનતા આ લોકોને સરકારનો કે ફોરેસ્ટના અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળી રહે છે. નેસમાં વસતા આ માલધારીનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. દૂધ એકઠું કરીને ડેરીને પહોંચાડે છે.

ભગવાન કૃષ્ણ તેમના ઈષ્ટદેવ હોવાથી કૃષ્ણના લગભગ બધા જ તહેવારો મનભરીને નેસવાસીઓ માણે છે. ગોકળઆઠમ તેમનો સૌથી વધુ પ્રિય તહેવાર છે. આઠમના દિવસે ઘરે ઝૂલો બાંધી પંજરી વગેરેનો ભોગ ધરાવીને કૃષ્ણને યાદ કરે છે.

લગ્ન જેવા વ્યવહારો પણ રંગેચંગે ઊજવે છે અને કેસરીયા વાઘા પહેરી, ઘરેણાંથી લથબથ વરરાજો એક નવા જીવનનો પ્રારંભ કરે છે અને સામેનું પાત્ર પણ જીવનના દરેક કાર્યમાં ઓતપ્રોત થવાની ખેવના સાથે પ્રવેશે છે. લાજના છેડેથી મુખારવિંદને ઢાંકતી આ સ્ત્રીઓ લાજનો પર્યાય શરમને જાણે છે અને તેનો અહેસાસ આપણને તેને મળ્યા પછી થાય છે. બાહ્ય સૌંદર્યના દેખાડાની ખેવના ન કરતી આ સ્ત્રીઓ આંતરિક સૌંદર્યને બખૂબી નિભાવે છે. સવારથી વાસીદું, દૂધ દોહવું, પૂજા પાઠ, સવારનું શિરામણ તૈયાર કરવું, અને છોકરાને કાખમાં તેડીને પોતાના ધણીને વળાવતી વેળાએ મોઢામાં કાપડાનો છેડો દાંતથી દબાવીને સાંજ પડયાની રાહમાં આખો દિવસ સખત કાર્યની વચ્ચે પસાર કરે છે.

સાંજ પડે આ આહિર જ્ઞાતિની બહુમતી ધરાવતા નેસમાં ખુશીની લહેરખી, હાકલા, પડકારા અને બીજા દીના સૂર્યાેદયની રાહ જોતા, દિવસ આખાની સ્મૃતિને વાગોળતા ક્યારે ગાઢ નિંદ્રામાં પોઢી જાય છે તેની તેમને પણ ખબર રહેતી નથી.

Advertisements